નારી દરેક રોલ સફળતાપૂર્વક નિભાવે છે – મેયર શ્રીમતી ગીતાબેન પરમાર આજે શક્તિ દિન છે. શક્તિનું સન્માન થઇ રહ્યું છે. તે ગૌરવની બાબત છે. નારી જ શક્તિ છે. નારી દરેક જવાબદારી સફળતાપૂર્વક નિભાવે છે. આજે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે. અંતરીક્ષથી લઇ રાજકારણ, રમત જગત સિવિલ સર્વિસ જેવું કોઇ ક્ષેત્ર બાકી નથી. જ્યા મહિલાઓનું યોગદાન ન હોય. રાષ્ટ્રના વિકાસમાં પુરૂષ જેટલુ જ મહિલાઓનું યોગદાન છે – શ્રીમતી શાંતાબેન ખટારિયા નારીનું સન્માન, પુજનએ આદિકાળથી થાય છે. જે ભારતીય સંસ્કૃતિની દેન છે. રાષ્ટ્રના વિકાસમાં દરેક ક્ષેત્રે પુરૂષ જેટલુ જ મહિલાઓનું યોગદાન રહ્યું છે. આજે મહિલાઓ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના નીતિઓ થકી આત્મનિર્ભર બની છે. દેશ-દુનિયાને નવો રાહ ચીંધે છે. મહિલાઓ સ્વયં રક્ષણ કરવા સક્ષમ બને, માનસિક મજબુત બને – પલ્લવીબેન ઠાકર જૂનાગઢ મ્યુ.આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે, ૩૬૫ દિવસ મહિલા શક્તિના છે. આઝાદીની લડાઇમાં મહિલાઓનું યોગદાન અગ્રેસર રહ્યું છે. ગુજરાતના નાયિકી દેવી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, અહલ્યા દેવીના જીવનમાંથી મહિલાઓને બોધપાઠ લેવા જણાવ્યું હતું. સાથે જ મહિલાઓએ સ્વયં રક્ષણ કરી શકે એટલી સક્ષમ બનવા, માનસિક મજબુત બનવા જણાવ્યું હતું. બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં આંગણવાડી કાર્યકર-આશા વર્કરનું યોગદાન અમૂલ્ય છે – ગીતાબેન માલમ મહિલા અગ્રણી શ્રી ગીતાબેન માલમે જણાવ્યું કે, દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું કામ આંગણવાડી કાર્યકર અને આશાવર્કર કરી રહ્યા છે. ભવિષ્યમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટેના હાથ-પગ આંગણવાડી બહેનો આશાવર્કર છે. આ તકે તેમણે જૂનાગઢ જિલ્લાના તમામ આંગણવાડી બહેનો આશાવર્કરોને શુભેચ્છા પાઠવી હતી. સ્ત્રી- પુરૂષ એક રથના બે પૈડા સમાન છે – આરતીબેન જોશી કોર્પોરેટરશ્રી આરતીબેન જોશી આંતરરાષ્ટ્રીય મહિલા દિને જણાવ્યું હતું કે, સ્ત્રી-પુરૂષ એક રથના બે પૈડા સમાન છે. મહિલાઓ આજે રાજકીય, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે. તેમણે ઉમેર્યુ હતું કે, કોરોના કાળમાં સ્ત્રીઓએ છ મહિનામાં ૫૦ હજાર વેન્ટીલેટર બનાવી ચંદ્રક મેળવ્યા છે. જે સ્ત્રી સશક્તિકરણ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાઇ શહેરના ટાઉન હોલ ખાતે યોજાયેલ મહિલા દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએ મકવાણા મેનકાબેન, ભલાણી યોગિતાબેન, મહાનગરપાલિકા કક્ષાએ ભાખર જ્યોત્સનાબેન, પરમાર મંજુલાબેન તથા ગ્રામ્ય કક્ષાએ ગોહિલ રેવાબેન અને મેઘનાથી ભાવનાબેનને માતા યશોદા એવોર્ડ તથા રૂા.૩૧,૦૦૦ તથા રૂા.૨૧,૦૦૦ના ચેક આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. યોગ ક્ષેત્રે સિદ્વિ મેળવનાર બહેનોનું સન્માન કરાયું યોગ ક્ષેત્રે સિદ્વિ મેળવનાર ચેતનાબેન ગજેરા, ધરમબેન કચોટ, જીજ્ઞાબેન પંડ્યા, નર્મદાબેન ચૌહાણ, ગીતાબેન ગજેરા, રીનાબેન સુવાગીયા, તૃપ્તિબેન રાંક, વૈશાલીબેન ચુડાસમા, વિમળાબેન વાછાણી અને નિશાબેન ટીંબા સહિતનાઓનું મહિલા દિને સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્વિ મેળવેલ દિકરી-મહિલાઓનું સન્માન કરાયું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાએ સિદ્વિ મેળવનાર વૈષ્ણવ મીરાબેન, પરમાર નીલમબેન, કાછડિયા એન્જલ શૈલેષભાઇએ વિવિધ ક્ષેત્રેમાં રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્વિ મેળવવા બદલ તેમનું સન્માન કરાયું હતું
No comments:
Post a Comment